ગુજરાતી ભાષાના લગભગ સર્વસ્વીકૃત (અને ગાંધીજીની મહોરવાળા!) ‘સાર્થ’ જોડણીકોશમાં મજૂર શબ્દનો અર્થ આવો આપ્યો છે:
મજૂર: રોજિંદા દામ લઇ મહેનત કરનાર.
તો ચાલો હવે બે તદ્દન જુદી જાતના મજૂરોની દિનચર્યા નિહાળીએ:
મજૂર નં ૧: એ સવારે વહેલો ઊઠીને પોતાના મજૂરીકામે જાય છે. ગમે કે ન ગમે, કામ તો કરવું પડે છે- જીવતરનો સવાલ છે! પણ કામને અંતે દામ રૂપે કાવડિયાં મળે છે. પછી કંટાળેલા મજૂરો વ્યસન પણ કરી લેતાં હોય છે- ક્ષણિક આનંદ માટે.
મજૂર નં ૨: એને બોલચાલની ભાષામાં વિદ્યાર્થી પણ કહે છે.એ સવારે વહેલો ઊઠીને પોતાની શાળાએ જાય છે. ગમે કે ન ગમે, ભણવું તો પડે છે- કરિયરનો સવાલ છે! પણ કામને અંતે દામ રૂપે હૉમવર્ક મળે છે. પછી કંટાળેલા વિદ્યાર્થીઓ WhatsApp/FB/Insta પણ કરી લેતાં હોય છે- ક્ષણિક આનંદ માટે.
અમારા પૈકી લગભગ ૯૯% નિશાળિયા ઉપર મુજબની જિંદગી જીવતા હોય છે – ભણતરમાં લેશમાત્ર આનંદ વિના. પણ આમાં બિચારા વિદ્યાર્થીનો કશોજ વાંકગનો નથી! કેમ? પ્રસ્તુત છે વિદ્યાર્થીનું ‘બચ્ચાડાપણું’ સિદ્ધ કરતા અનેકાનેક કારણો:
આખ્ખા પિક્ચરમાં વાલી જ મુખ્ય વિલન છે! (રામાયણમાં પણ વાલી વિલન હતો ને!) નાનપણથી જ ‘ધૂળમાં ન રમવું જોઇએ’, ‘તારાં કલર્સથી ટાઇલ્સ બગડવી ન જોઇએ’ થી માંડીને ‘સવારે વહેલા ઊઠવું જોઇએ’ વગેરેનું “Do’s & Don’ts’’ નું લિસ્ટ પોલિયોનાં ટીપાની પેઠે ધરાર પિવડાવી દેવાય છે. એને બાગ-બગીચા, નદી, પહાડ કે જંગલ કરતા મંદિર ને મૉલમાં વધારે લઈ જવાય છે. અને વાર્તાઓ તો નસીબદાર બાળકોને જ વાંચવા-સાંભળવા મળે! બાળકો મોટાં થાય એટલે કોઇ તગડી ફી વસૂલનારી ઇંગ્લિશ મિડીઅમ હાઇ-ફાઇ સ્કૂલમાં બેસાડીને ફરજપૂર્તિનો ઓડકાર ખાઈ લેવાની પેરેન્ટ્સની શાહમૃગવૃત્તિ બધે જ જોવા મળે છે. પછી ચાલુ થાય ‘મેરા બેટા/બેટી બડા હોકે યે બનેગા…’ નો દોર. અને જો એક્ઝામ્સમાં રિઝલ્ટ ‘ડાઉન’ જાય તો પાછા બૂમબરાડા શરુ! પછી એ લોકો પંચોતેર મુરબ્બીઓને પૂછ્યા બાદ એવું ફિલ્ડ સિલેક્ટ કરે જેનો ફ્યુચરમાં સારો ‘સ્કૉપ’ હોય. સાલા આપણા ઇન્ટરસ્ટની તો કશી વેલ્યુ જ નહીં! (જોકે, આ લખનાર બંદો આ બધીજ બાબતોમાં નસીબદાર હતો અને છે!)
શાળાઓ પણ વિદ્યાર્થીને ભણતર પ્રત્યે નિરસ બનાવવામાં પોતાનુ યથાશક્તિ યોગદાન આપે છે. શરૂઆત રોજ ગવાતી એકની એક પ્રાર્થનાથી થાય ને પછી સુવિચારોનો ડૉઝ અપાય. કહે છે કે દરેક બાળકમાં કુતૂહલ અને જિજ્ઞાસાનું તત્ત્વ હોય છે. પણ સ્કૂલ એ જિજ્ઞાસાને પોષવાને બદલે શોષે છે- રક્ષણને બદલે ભક્ષણ કરે- વાડ થઈને જ ચીભડાં ગળે! હી હી હી! “અમારી સ્કૂલમાં Central AC, Hi-Tech class, ફલાણું, ઢીંકણું, પૂંછડું… છે”- એવી ગુલબાંગો પુકારતી શાળા પોતાના શિક્ષકોની લાયકાતો કહેતી જ નથી. ને શિક્ષણનું સ્તર?- મીંડુ! એટલે પછી ક્યાં જવું?- ટ્યુશન. જો કે, ટ્યુશનિયાં ટીચર્સની પણ હેરાનગતિ ઓછી નથી હોતી. એક-દોઢ કલાકનાં લાં…બા લેક્ચર અને પછી અધધધ હૉમવર્ક. વળી હૉમવર્કમાં શું હોય?- “આજે જે લખાવ્યું તે ફરીથી લખી આવજો.” અરે ભલા માણસ, એકનું એક લખવું કોને ગમે? અમુકને બાદ કરતા મોટેભાગે આ જ પરિસ્થિતિ છે. અમુક વર્ગોમાં તો સો-દોઢસો “બકરા” ભર્યા હોય. વૈકુંઠ નાનું ને ભક્તો ઝાઝા!
કશુક નવું જાણવાની જિજ્ઞાસાને શૈશવમાં જ હણી નાખવાનો અક્ષમ્ય અપરાધ કરનારા શિક્ષકોને સમાજમાં ગુનેગારોથી સહેજ પણ ઊંચુ સ્થાન આપવાનું એકપણ કારણ જડતુ નથી. છંદનાં બંધારણો ગોખાવનારે કેટલા કવિઓ (પેલા WhatsApp વાળા ફોરવર્ડિયા નહિ પણ ઓરિજિનલ-ઊંચેરા કવિઓ!) ને અને આવર્તકોષ્ટક ગોખાવનારે કંઈ-કેટલા રસાયણશાસ્ત્રીઓને મારી નાંખ્યા હશે? ફટાફટ કૉર્સ પતાવનારા અને IMP આપનારા શિક્ષકો ‘સારા શિક્ષકો’ તરીકે ઓળખાય છે. પરીક્ષાલક્ષી ગાઈડ(કે મિસ્ગાઈડ?!) બૂક્સનું વેંચાણ પાઠ્યપુસ્તકો કરતા ક્યાંય વધારે થાય છે.
અને હા, પરીક્ષા શબ્દનો ત્રાસ કંઇ ઓછો નથી. વિકલી ટૅસ્ટ, યુનિટ ટૅસ્ટ, મિડ-ટર્મ, પ્રિલિમ, બ્લા બ્લા બ્લા. માબાપ અને શિક્ષકો પાસેથી વર્ષોથી ધર્મ અને નૈતિકતાના ઑવરડૉઝ લીધા પછી પણ સ્હેજ પણ ખચકાટ વિના બૉર્ડની પરીક્ષામાં પણ ચોરી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી નથી. (આપણે એ ન ભૂલીએ કે એકપણ રુપિયાની કરચોરી ન કરનારા લોકો દેશની સૌથી નાની લઘુમતી છે. કૂવામાં હોય તો હવાડામાં આવે ને!) એક આવા વિદ્યાર્થીને મેં એકવાર પૂછેલુ: “અલ્યા, ચોરી શું કામ કરે છો?” એનો નનકુડો સહજ જવાબ આજેપણ યાદ છે: “તો બીજું શું કરું?” એ કોઇ સાહિત્યકાર નહોતો નહિતર કદાચ આવો જવાબ આપત: “પરીક્ષામાં માબાપ, વડીલો અને શિક્ષકો દ્વારા મારી પાસે ઢગલાબંધ માર્ક્સની રખાતી અપેક્ષા એક નિર્ભેળ સત્ય છે. વળી એના પચાસ ટકાય હું લાવી શકુ નહી અને એમ થાય તો મારું તો આવી જ બને એ બીજુ સત્ય છે. અને તમને અધમ લાગતુ આ કૃત્ય બે સત્યોનો સરવાળો જ છે!” અને આપણું શિક્ષણતંત્ર તો જુઓ! પરીક્ષામાં શા માટે ચોરી ન કરવી જોઇએ – એ શિખવવાને બદલે માત્ર કેમૅરા અને ટેબ્લૅટ ગોઠવે છે. અને પરીક્ષાઓ કેવી હોય?- નક્કામી! માર્ચ,૨૦૧૧ ના ૧૦મા ધોરણના સામાજિક વિજ્ઞાનનાં બૉર્ડનાં પેપરનો એક પ્રશ્ન જુઓ:
ક્યા દેશ માટે ‘સુજલામ્’ ‘સુફલામ્’ શબ્દો વપરાયા છે?
A.ચીન B.ગ્રીસ C.મ્યાનમાર D.ભારત
હવે સમજાયો આખો ખેલ? ગોખણપટ્ટીના પાયા પર ચણાયેલી ઈમારત પર જ્ઞાન અને સમજણનો માળ ચણવાનો આવે એટલે કડડભૂસ્સ! અબ ચલા પતા શા માટે વિદ્યાર્થીઓ અને તેમના માબાપો આ JEE-NEET જેવી પરીક્ષાઓને કાઢી નાખવા માટેના રોદણાં રોવે છે? (ફરીથી યાદ અપાવી દઉં કે આમાં બચ્ચાડા નિશાળિયાઓનો રતીસરીખોયે વાંક નથી.)
એ લોકોએ ગણિત (મારો પ્રિય વિષય) જેવા સુંદર વિષયને પણ નથી છોડ્યો. પ્રાથમિક શાળામાં ભૂમિતિનાં આકારો સાથે રમાડવાને બદલે ગંદા-ગોબરાં ઘડિયા ગોખાવે છે. પછી આગળ જતા એને ગણિત સુંદર લાગે એની સંભાવના કેટલી?(આ પણ ગણિત છે!) અદ્દલ આવું જ બીજા વિષયો સાથે થાય છે. સ્ટાર્ટરમાં કડવાં કારેલાં ખાધાં હોય પછી ગમે તેવા ચટ્ટાકેદાર ‘મેઇન-કૉર્સ’ માણવા કોણ રોકાય?
આપણે ત્યાં અર્થવ્યવસ્થા પર ચર્ચા કરનારા અર્થશાસ્ત્રીઓ પાનનાં ગલ્લે-ગલ્લે (અને ATMની લાઇને-લાઇને) વિદ્યમાન છે. પણ શિક્ષણવ્યવસ્થા પર ચર્ચા? નીલ બટ્ટે સન્નાટા! આનો ચોખ્ખો અર્થ એ થાય કે આપણને ‘લર્નિંગ’ કરતા ‘અર્નિંગ’ વધારે પસંદ છે. જો કે, ખૂણેખાંચરે અમુક જગ્યાએ સાવ અલગ પદ્ધતિથી શિક્ષણના સફળ પ્રયોગો થઈ ચૂક્યા છે. પણ નવું સ્વીકારવાની વૃત્તિ ક્યાં? નાવીન્યને નનૈયો ભણવાની આદત આપણને હંમેશાં નડી છે. ‘તારે ઝમીન પર’ અને ‘થ્રી ઈડિયટ્સ’ જેવી ફિલ્લમો જોવી ગમે છે પણ અપનાવવાની દાનત (કે તાકાત?) નથી.
છતાં પણ કતલખાનામાંથી અમુક ગાયો તો ભાગી જ જાય છે. બરાબર ને?
-AC
chotaliaa@iisc.ac.in
9426310478
Please do write your always-most-welcome comments below.